જગદીશ પરમારનું નિધન -- પત્રકાર જગતના પ્રતિભાશાળી વ્યક્તિગતનો અસ્ત

 તા.૧૯ એપ્રિલ '૨૩


ભરૂચ પત્રકાર આલમના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર,  રાજકીય સામાજિક ક્ષેત્રે અગ્રણી  અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન થતા તેમની આ અણધારી વિદાયથી પત્રકાર આલમને આજે એક ન પુરાય તેવી ખોટ પડી છે. હૃદયરોગના હુમલાથી જગદીશ પરમારનું નિધન થતા જિલ્લાના પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઇ હતી. આપણી વચ્ચેથી વિદાય લેનાર જગદીશ પરમારને વિવિધ  ક્ષેત્રના અગ્રણીઓ, સંસ્થાઓ,પત્રકારો તેમજ  સરકારી અધિકારીઓ  દ્વારા ભાવભીની અંજલિ અર્પિત કરવામાં આવી હતી. સહુ સાથે હળીમળી જાય તેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા  જગદીશ પરમારનું  દુઃખદ નિધન થતાં પત્રકાર આલમના એક તેજસ્વી વ્યક્તિત્વનો અસ્ત થયો હતો. ભરૂચ જિલ્લાના સહકારી, રાજકીય, સામાજિક અને સેવા ક્ષેત્રે હંમેશા આગળ  રહેતા ઉમદા પત્રકાર  જગદીશ પરમારને ગતરાત્રે હદય રોગનો હુમલો આવતા ભરૂચ ખાતે સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટુંકી સારવાર બાદ ૫૫ વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું હતું. તેમની અંતિમયાત્રા તેમના અયોધ્યા નગર સ્થિત નિવાસ સ્થાને થી  નીકળી હતી, ભરૂચના પાવન દશાશ્વમેઘ ઘાટ ખાતે  તેઓના નશ્વર દેહને અગ્નિદાહ આપવામા આવ્યો હતો. તેઓની અંતિમ યાત્રામાં  રાજકીય, સામાજિક અગ્રણીઓ, પત્રકારો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. વરિષ્ઠ પત્રકાર, નિખાલસ વક્તા જગદીશ પરમારને ભરૂચ જિલ્લાના વહીવટી, રાજકીય, પોલીસ, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ તેમજ પત્રકારો દ્વારા  શ્રધ્ધાંજલિ અર્પવામા આવી હતી. જગદીશભાઈએ તેમની  પત્રકારત્વની સફર દરમિયાન  ભરૂચની લોકલ ટીવી ચેનલો ઉપરાંત ઘણા નાના તેમજ મોટા અખબારોમાં પત્રકાર તરીકે ફરજ બજાવી હતી. અગાઉ તેઓએ જિલ્લાના પત્રકાર  સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પણ બે વર્ષ સેવા આપી હતી. પત્રકારત્વ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ તેઓ ભાજપામાં સક્રિય હતા. અને ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના  વાઇસ ચેરમન  તરીકે તેઓએ  સેવા આપી હતી. શૈક્ષણિક, સામાજિક  સંસ્થા, સહકારી કે રાજકીય ક્ષેત્ર હોય કે પછી કલા કે રમતગમત દરેકમાં  જગદીશ પરમાર પોતાની પ્રતિભાથી કુશળ સુકાની પુરવાર થયા હતા. જિલ્લાના અનેકવિધ કાર્યક્રમોમાં કુશળતા પૂર્વક એંકરીંગ દ્વારા પોતાની આગવી છાપ તેઓએ ઉભી કરી છે. પત્રકાર જગતમાં તો તેમની કલમ અને શબ્દોમાં મહારથે અનેકને તેમના પ્રશંસક બનાવી દીધા હતા. સરકારી કે રાજકીય કોઇપણ કાર્યકમ હોય જિલ્લાના પત્રકારોમાં જગદીશ કાકાના હુલામણા નામથી સહુના ચાહિતા જગદીશ પરમાર તેઓની કલમ, શબ્દો, ચિત્રકલા અને પ્રતિભા સાથે હંમેશા યાદ રહેશે. તેમણે પત્રકાર જગતને એક નવી રાહ બતાવી છે. તેમના નિધનથી આજે પત્રકાર આલમે એક ન પુરાય તેવી ખોટ અનુભવી છે.
                                 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.